પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજીના ભાવોમાં વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું વધુ મુશ્કેલ બની રહ્યુ છે.
સિંગતેલમાં ડબ્બા પર રુપિયા 30 અને કપાસિયા તેલમાં ડબ્બા પર 20 રૂપિયાનો વધારો
મધ્યમવર્ગ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઇ ગયુ છે. મળતી જાણકારી અનુસાર સિંગતેલ અને કપાસિયા તેલ સહિતના ખાદ્ય તેલના ભાવમાં ફરી એકવાર કમરતોડ વધારો થયો છે. સિંગતેલના ડબ્બા પર 30 રૂપિયા અને કપાસિયા તેલના ડબ્બા પર 20 રૂપિયાનો વધારો થયો છે.
ગુજરાતમાં પહેલેથી જ મોંઘવારીનો સામનો કરી રહેલી સામાન્ય પ્રજા માટે વધુ એક આંચકો આપે તેવા આ સમાચાર છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થતા સામાન્ય વર્ગની ચિંતા વધી છે. સિંગતેલના ડબ્બા પર 30 રૂપિયા અને કપાસિયા તેલના ડબ્બા પર 20 રૂપિયાનો વધારો કરાયો છે. 15 કિલો સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2310થી વધીને 2340 થઈ ગયો છે. જ્યારે કપાસિયા તેલનો ભાવ 2220થી વધીને 2240 રૂપિયા થઈ ગયો છે. મગફળી અને કપાસનું આ વર્ષે સારું ઉત્પાદન થયું હોવાના કારણે શરૂઆતમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ અંકુશમાં હતા. આ વર્ષે લાગતું હતું કે મધ્યમ વર્ગના લોકોને રાહત રહેશે. પરંતુ હવે ફરીથી ભાવ વધારો શરૂ થઈ ગયો છે.
જાણકારોના મતે, સટ્ટોડિયા સક્રિય થતાં ભાવમાં વધારો થઈ રહ્યો છે. આગામી સમયમાં હજુ પણ ભાવ વધે તેવી શક્યતા છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજીના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો રહયો છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. કોરોનાકાળમાં થયેલા લોકડાઉનમાં આર્થિક માર સહન કર્યા પછી હવે જનતાએ મોંઘવારીનો માર પણ સહન કરવો પડી રહ્યો છે. હવે ખાદ્યતેલના ભાવોમાં પણ વધારો થતા લોકોએ જાયે તો જાયે કહીં જેવી સ્થિતિનો અનુભવ થઇ રહ્યો છે.
વેપારીઓના જણાવ્યા અનુસાર પણ સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. બીજી બાજુ યાર્ડમાં મગફળી અને કપાસની આવક ચાલુ છે.