યુક્રેન પર યુધ્ધના 9માં દિવસ સુધી કોઈ મોટી સફળતા ન મળતાની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે મોટું નિવેદન આપ્યું છે. પુતિન યુક્રેનિયન શહેરોમાં બોમ્બ ધડાકાના આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે અહીં સુધી કહ્યું કે, જો તેમની માંગણીઓને માની લેવામાં આવે તો તે વાતચીત કરવા માટે તૈયાર છે. રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય, ક્રેમલિને જણાવ્યું કે, યુક્રેનિયન શહેરો પર બોમ્બ ધડાકાના અહેવાલો ખોટા અને નકલી છે. પુતિનનું આ નિવેદન તેમની જર્મન ચાન્સલર ઓલાફ સોલ્જની સાથે વાતચીત દરમિયાન આવ્યું હતું. પુતિને જણાવ્યું કે, યુક્રેનની રાજધાની કીવ અને અન્ય મોટા શહેરોમાં હવાઈ હુમલાના સમાચાર એક ખૂબ જ મોટો દુષ્પ્રચાર છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, યુક્રેન સાથે વાતચીત ત્યારે જ સંભવ છે જ્યારે, તેમની માંગણીઓ માની લેવામાં આવે. ક્રેમલિનના જણાવ્યા અનુસાર પુતિને આ વાતની પુષ્ટિ કરી છે કે, રશિયા માટે યુક્રેની પક્ષ અને અન્ય બધા સાથે વાર્તાલાપનો વિકલ્પ ખુલ્લો છે પરંતુ શરત એ છે કે, રશિયાની બધી માંગણીઓને માની લેવામાં આવે.
આમાં યુક્રેનની તટસ્થ અને ગેર પરમાણુ દેશ હોવાની શરત, તેમના દ્વારા ક્રિમિયાને રશિયાનો ભાગ માનવો અને પૂર્વી યુક્રેનના અલગતાવાદી વિસ્તારોની સાર્વભૌમત્વની શરતો સામેલ છે. જેમાં બંને પક્ષો વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત અંગે આશા વ્યક્ત કરવામાં આવી છે. સાથે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે કે, યુક્રેનની સરકાર તાર્કિક અને સકારાત્મક વલણ બતાવશે. કીવના વાર્તાકારોના જણાવ્યા અનુસાર બંને પક્ષો વચ્ચે આગામી તબક્કાની વાતચીત સપ્તાહના અંતમાં થવાની શક્યતા છે. યુક્રેન અને રશિયા વચ્ચે અત્યાર સુધી બે રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. જોકે, આ વાતચીતમાં અત્યાર સુધી કોઈ ખાસ ઉકેલ આવ્યો નથી.
બીજી તરફ, રશિયન સંસદ ડ્યૂમાના સ્પીકરે દાવો કર્યો છે કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી દેશ છોડીને પોલેન્ડ ભાગી ગયા છે. જોકે, યુક્રેન પ્રશાસન તરફથી હજુ સુધી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી. યુક્રેનના રાષ્ટ્રપતિએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેનના આમંત્રણને નકારી કાઢતા કહ્યું કે, જો તેઓ મદદ કરવા માંગતા હોય તો હથિયાર આપો તેમને દેશ છોડવા માટે સવારીની જરૂર નથી.