ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ,સુરતમાં પૂર્વ પ્રેમીએ કટરથી પ્રેમિકાનું ગળું ચીરી નાખ્યું
ગૃહમંત્રીએ કહ્યું-‘ઘટનાને ગંભીરતાથી લેવાશે, ગંભીરતાથી પગલાં લેવાશે: હર્ષ સંઘવી
સુરતમાં ફરી એક વખત ગ્રીષ્મા વેકરીયા જેવી ઘટના થતી રહી ગઈ છે. પ્રેમીની કાયમી કચ કચથી યુવતી ત્રાસી જતા તેણે સંબંધ તોડી નાખ્યો હતો. જેને લઇ પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ગળે કટર ફેરવી દઈ ફરાર થઈ ગયો હતો. સચિનમાં પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના ગળા પર સરા જાહેર કટર ફેરવી નાખ્યું હતું. જેથી યુવતીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતમાં આ પ્રકારની કોઈ પણ ઘટના હોય ગંભીરતાથી પગલા લેવાશે. સચિન પોલીસે ગણતરીના કલાકોમાં પાગલ પ્રેમીની કરી ધરપકડ છે. પ્રેમીની કાયમી કચકચથી યુવતી ત્રાસી જતા તેણે સંબંધ તોડી નાખ્યો હતો.
સુરત શહેરના સચિન વિસ્તારમાંથી જે પ્રકારની ઘટના સામે આવી છે. તેને લઈ ફરી એક વખત ગ્રીષ્મા હત્યાની ઘટનાને યાદ કરાવી આપે છે. ગ્રીષ્મા હત્યાની જે રીતે ઘટના બની હતી. તે જ પ્રકારે પાગલ પ્રેમીએ સુરતના સચિન વિસ્તારમાં તેની પ્રેમિકાનું ગળું કાપી હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. શહેરનાં સચિન વિસ્તારના પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના ગળે જાહેરમાં કટર ફેરવી દીધું છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત પ્રેમિકાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઉમરપાડાની 22 વર્ષીય યુવતી પર પૂર્વ પ્રેમીએ જીવલેણ હુમલો કર્યો છે. સચિનના સુડા વિસ્તારમાં આ ઘટના બની છે. જોકે, આ ઘટના બાદ લોકોમાં રોષ છવાયો છે. લોકો ફરીથી ગ્રીષ્મા વેકરિયા કેસને યાદ કરી રહ્યા છે. સુરતનાં એપ્રિલ પાર્કના એક કારખાનામાં યુવતી સિલાઈ મશીનનું કામ કરતી હતી. તાપી જિલ્લાના નિઝર ખાતે બોરડા ગામમાં આવેલા નિશાળ ફળિયામાં રહેતા રામસિંગ ગુલાબસિંગ પાડવી દ્વારા પૂર્વ પ્રેમિકા પર હુમલો કરાયો હતો.
મૂળ ઉમરપાડા તાલુકાની વતની અને સુરતના સચિન વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી સિલાઈ મશીન ઓપરેટર તરીકે કામ કરે છે. વર્ષ 2019માં તેની જ કંપનીમાં સાથે કામ કરતા તાપી જીલ્લાના બોરદાગામ ખાતે રહેતા રામસિંગ ગુલાબસિંગ પાડવી સાથે મુલાકાત થઇ હતી. બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. બંને વચ્ચે એકાદ વર્ષ સુધી પ્રેમ સંબંધ ચાલ્યો હતો.
બંને જણા પ્રેમ સંબંધમાં જોડાયા બાદ યુવતીને રામસિંગનો સ્વભાવ પસંદ આવ્યો ન હતો. પ્રેમિકાને રામસિંગનો સ્વભાવ અને વર્તન બરાબર લાગતું ન હતું. તે વાત વાતમાં કચકચ કરતો હતો. પ્રેમીની કચકચથી યુવતી ત્રાસી જતા તેણીએ સબંધ તોડી નાખ્યો હતો. આ ઉપરાંત યુવતીને લગ્ન માટે માંગુ આવતા યુવતીએ તેની સાથે પ્રેમ સબંધ રાખવાનો ઇનકાર કરી દીધો હતો. જેને લઈને ઝુનીની પ્રેમી તેને હેરાન પરેશાન કરવા લાગ્યો હતો. જેના કારણે યુવતી સુરત ખાતે નોકરી છોડી તેના વતન જતી રહી હતી.
6 મહિના પહેલા યુવતી વતનથી પરત સુરત આવી હતી અને ફરીથી નોકરી પર લાગી હતી. પ્રેમી વારંવાર હેરાન પરેશાન કરતો હતો. જેને લઇ યુવતીએ તેનો નંબર પણ બ્લોક કરી દીધો હતો. દરમ્યાન 17 ડિસેમ્બર 2022ના રોજ યુવતી સચિન વિસ્તારમાં આવેલા સાઈનાથ સુડા સેક્ટર પાસે એટીએમમાં પૈસા ઉપાડવા ગયી હતી. આ દરમ્યાન તેનો પ્રેમી રામસિંગ પણ ત્યાં આવી પહોચ્યો હતો અને એટીએમ તેમજ મોબાઈલ લઇ યુવતીને તેની સાથે આવવા દબાણ કરતો હતો. જેને લઈને બંને વચ્ચે ત્યાં ઝઘડો થયો હતો. ઝઘડાને લઈને ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ જતા જે તે સમયે તેનો પ્રેમી ત્યાંથી ભાગી ગયો હતો.
જે તે સમયે તો પ્રેમી ઝઘડો કરી નાસી ગયો હતો ત્યારબાદ ફરી એક વખત તે તેની પૂર્વ પ્રેમિકા નો પીછો કરી તેને એકલતામાં મળ્યો હતો. ગત 21 ડિસેમ્બરના રોજ સવારે યુવતી તેની બહેનપણી સાથે નોકરી પર જઈ રહી હતી. તે દરમ્યાન તેનો પ્રેમી અચાનક પાછળથી આવ્યો હતો. યુવતી કંઇક સમજે તે પહેલા જ તેની પાસે રહેલી કટર વડે ગળું ચીરી નાખ્યું હતું. યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
યુવતી પર કટર વડે હુમલો કરી પ્રેમી ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. યુવતી લોહી લુહાણ થઇ ગયી હતી. આ દરમ્યાન હુમલો કરી ભાગતો પ્રેમી નજીકના સીસીટીવી માં કેદ થઈ ગયો હતો.પ્રેમીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે હાથમાં કટર જેવું હથીયાર લઈને તે ભાગી રહ્યો છે. ત્યારે પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં જ તેને ઝડપી પાડી જેલભેગો કરી દીધો છે.
આ સમગ્ર મામલને પોલીસ વિભાગ પણ ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક આરોપીને પકડવામાં કામે લાગી ગયો હતો અને ગણતરીના સમયમાં જાહેરમાં ગળું કાપનાર પાગલ પ્રેમીની ધરપકડ કરી હતી. ત્યારે આ અંગે એસીપી આર એલ માવાણીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. તમામ એન્ગલ પર તપાસ કરવામાં આવી રહી છે. આરોપીને કડક સજા થાય તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ખૂનની કોશિશ સહિતની કલમો લગાવી આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
જાહેરમાં પૂર્વ પ્રેમિકા નું પ્રેમીએ ઘણું કાપી હત્યા કરવાનો પ્રયાસ કરવાની જે ઘટના સામે આવી છે તેને લઈ ફરી એક વખત ગ્રીષ્મા વેકરીયા હત્યાની ઘટનાને તાજી કરી દીધી છે. ત્યારે આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જાણ થતા તેમણે નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં આ પ્રકારની કોઈપણ ઘટનાઓ ચલાવી લેવામાં આવશે નહીં. આ પ્રકારની ઘટનાઓમાં પોલીસ દ્વારા ગંભીરતાથી પગલાં લેવામાં આવશે. સુરતની આ ઘટનામાં પણ ક્રાઈમ બ્રાન્ચ સહિતની પોલીસ ટીમને સૂચના આપી દેવામાં આવશે. સુરત પોલીસ કમિશનરને પણ આ અંગે ગંભીરતાથી પગલા લેવા સૂચના આપી દેવામાં આવશે.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી સુરત