17 કિલો પહેલાં અને 46 કિલો મોડી રાત્રે મળીને કુલ 63 કિલો ડ્રગ્સ ઝડપાયું
ગુજરાત ગુનાખોરી તરફ આગળ વધી રહ્યું છે, એની સાથે હવે નશાના કારોબારનું પણ હબ બની રહ્યું હોય એવું લાગી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયગાળાથી ડ્રગ્સ પકડાવાની ઘટનાઓ છાશવારે બની રહી છે. પહેલાં પણ 21 હજાર કરોડનું કચ્છના મુંદ્રા બંદરે ઝડપાયું હતું. ત્યાર બાદ ગઈકાલે દ્વારકામાં 17 કિલો ડ્રગ્સ મળી આવતાં હાહાકાર મચ્યો છે, જેને લઈને નાર્કોટિક્સ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. જ્યારે મોડી રાત્રે સલાયામાં અલી અને સલીમ નામના બે શખસનાં ઘરે સર્ચ કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં વધુ 46 કિલો ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. 17 કિલો પહેલાં અને 46 કિલો મોડી રાત્રે મળીને કુલ 63 કિલો ડ્રગ્સ મળી આવતાં હાહાકાર મચ્યો છે.
મુન્દ્રા બંદર પછી હવે દ્વારકામાંથી કરોડો રૂપિયાનો નશીલો પદાર્થ ઝડપાતાં ગુજરાતમાં કાયદો અને સુરક્ષાની સ્થિતિ સામે અનેક સવાલ ઊઠી રહ્યા છે. ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે, એની સાથે નશાના કારોબાર અને નશીલા પદાર્થોની હેરાફેરી પણ વધી છે. ગઈકાલે દ્વારકામાં ડ્રગ્સ મળી આવવા મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ અલી અને સલીમ કારાનાં ઘરે સર્ચ કરવામાં આવ્યું. સલીમ અને અલી કારાનાં ઘરેથી 46 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે, ત્રણ આરોપીની ધરપકડ કરી છે, જેમાં પોલીસને અત્યારસુધી 63 કિલો ડ્રગ્સનો જથ્થો હાથ લાગ્યો છે. આજે પકડાયેલા ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
થોડા સમય પહેલાં એક ફિલ્મ આવી હતી ‘ઉડતા પંજાબ’, જેમાં નશાના કાળો કારોબાર દર્શાવવામાં આવ્યો હતો. એમાં પંજાબમાં કેવી રીતે ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે એવી સ્થિતિ હાલ ગુજરાતની જોવા મળી રહી છે. ઉડતા પંજાબની જેમ હવે ઉડતા ગુજરાત પણ લિસ્ટમાં સામેલ થઈ ગયું છે, કેમ કે મુંદ્રામાં હજારો કરોડોના ડ્રગ્સનો પર્દાફાશ થયા બાદ પણ ગુજરાતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે.