જનરલ બિપિન રાવત, પત્ની મધુલિકાના આજે અંતિમ સંસ્કાર
ત્રણેય સેનાને તપાસનો આદેશ, એરમાર્શલ માનવેન્દ્રસિંહે અકસ્માતની તપાસ શરૂ કરી
તામિલનાડુમાં ભારતીય હવાઈદળના દુર્ઘટનાગ્રસ્ત થયેલા હેલિકોપ્ટરનું ફ્લાઈટ ડેટા રેકોર્ડ એટલે કે બ્લેક બોક્સ ગુરુવારે દુર્ઘટના સ્થળેથી મળી આવ્યું છે. એમઆઈ-૧૭ વીએચ હેલિકોપ્ટરની આ દુર્ઘટનામાં ત્રણેય સૈન્યના વડા સીડીએસ બિપિન રાવત, તેમનાં પત્ની મધુલિકા અને અન્ય ૧૧નાં મોત નીપજ્યાં હતા. બીજીબાજુ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સંસદમાં એરમાર્શલ માનવેન્દ્ર સિંહના અધ્યક્ષપદે ત્રણેય સૈન્યની એક એક ટૂકડી દ્વારા તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં બચેલા એકમાત્ર ગૂ્રપ કેપ્ટન વરુણ સિંહની વેલિંગ્ટનની હોસ્પિટલમાં સારવાર કરાઈ રહી હતી. તેઓ હાલ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે અને તેમને વધુ સારવાર માટે બેંગ્લુરુની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવાયા છે. હવાઈદળના ગૂ્રપ કેપ્ટન વરુણ સિંહ પર અત્યાર સુધીમાં ત્રણ ઓપરેશન કરાયા છે. હાલ તેમની સ્થિતિ સ્થિર છે. બ્લેકબોક્સ શોધવા માટે જવાનોએ તપાસનો દાયરો દુર્ઘટના સ્થળથી ૩૦૦ મીટરથી વધારીને એક કિ.મી. કર્યા હતો, ત્યાર પછી બ્લેક બોક્સ મળી આવ્યું હતું.
ફ્લાઈટ ડેટા રેકોર્ડર સહિત બે બોક્સ એક સ્થળેથી મળ્યા છે. બ્લેકબોક્સથી અકસ્માતનું કારણ જાણવા મળી શકે છે. બ્લેક બોક્સને દિલ્હી અથવા બેંગ્લુરુ લઈ જવાય તેવી શક્યતા છે. બ્લેકબોક્સની મદદથી બુધવારે પર્વતીય ક્ષેત્રમાં થયેલા અકસ્માત પહેલાના ઘટનાક્રમ સંબંધિત મહત્વની માહિતી મળશે.
બીજીબાજુ દુર્ઘટનામાં માર્યા ગયેલા સીડીએસ રાવત, તેમનાં પત્ની મધુલિકા અને અન્ય ૧૧ જવાનોના પાર્થિવ શરીર ભારતીય તરિંગામાં લપેટાયેલા કોફિનોમાં મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટરથી કોયમ્બતૂર લઈ જવાયા હતા. વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ, તામિલનાડુના મંત્રીઓ અને ભૂતપૂર્વ જવાનોએ તેમને પુષ્પાંજલી અર્પણ કરી હતી. તેમના પાર્થિવ શરીરને વેલિંગ્ટનથી ૭૦ કિ.મી. દૂર કોયમ્બતૂર લઈ જવાયા હતા જ્યાંથી હવાઈદળના સી-૧૩૦જે વિશેષ વિમાન માં તેમને નવી દિલ્હી લવાયા હતા. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સહિત ત્રણેય સૈન્યના પ્રમુખોએ બિપિન રાવત અને અન્ય જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી. દેશભરમાં લોકોએ શ્રદ્ધાંજલી સભાઓ યોજી જનરલ બિપિન રાવત અને અન્ય જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ અકસ્માતમાં માર્યા ગયેલા ૧૩માંથી માત્ર ત્રણની જ ઓળખ થઈ શકી છે, જેમાં સીડીએસ બિપિન રાવત, તેમનાં પત્ની મધુલિકા અને બ્રિગેડિયર એલએસ લિડ્ડરનો સમાવેશ થાય છે. તેમના મૃતદેહ પરિવારજનોને સોંપાશે. અકસ્માતમાં માર્યા ગયેલા અન્ય જવાનોના ડીએનએ પરીક્ષણ કરાયા પછી તેમના મૃતદેહ પરિવારજનોને સોંપાશે તેમ સૈન્યના અધિકારીઓએ કહ્યું હતું.
દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લોકસભા અને પછી રાજ્યસભામાં એક નિવેદનમાં કહ્યું હતું કે, દુર્ઘટનાની તપાસ માટે એરમાર્શલ માનવેન્દ્રસિંહના અધ્યક્ષપદે ત્રણેય સૈન્યની એક-એક ટીમને તપાસનો આદેશ અપાયો છે અને આ ટીમે બુધવારે જ વેલિંગ્ટન પહોંચીને તપાસનું કામ શરૂ કરી દીધું છે. સંસદના બંને ગૃહોમાં દિવંગત જવાનોને શ્રદ્ધાંજલી આપવા માટે થોડોક સમય મૌન રાખવામાં આવ્યું હતું. એરમાર્શલ માનવેન્દ્ર સિંહ હવાઈદળના ટ્રેનિંગ કમાન્ડના કમાન્ડર છે અને પોતે પણ હેલિકોપ્ટર પાઈલટ છે તેમ હવાઈદળના સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન કૂન્નૂર પોલીસે હેલિકોપ્ટર અકસ્માતમાં એક કેસ નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. નિલગિરિ જિલ્લા પોલીસે સીઆરપીસીની કલમ ૧૭૪ હેઠળ એફઆઈઆર નોંધી હતી અને અધિક એસપી મુથુમણિકમની તપાસ અધિકારી તરીકે નિમણૂક કરી હતી તેમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. પોલીસે તપાસના ભાગરૂપે દુર્ઘટનાગ્રસ્ત સ્થળ નજીક ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કર્યો હતો. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા નિલગિરી જિલ્લાના ઊટી તરીકે ઓળખાતા ઉદ્ગમંડલમમાં દુકાનો, કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ અને હોટેલોએ બંધ પાળ્યો હતો.