અંકલેશ્વર GIDCની અભિલાષા ફાર્મામાં લાગેલી આગનો મામલો
ઘટનામાં વધુ ૧ કામદારનું સારવારમાં મોત મૃત્યુઆંક ૩ થયો
ઘટનામાં દઝાયેલ હજુ બે કામદારો સારવાર હેઠળ
મૃતકના પરિવારજનોએ યોગ્ય વળતરમાંગ સાથે લાશ સ્વીકારવાનો ઇન્કાર
મોડે મોડે સુખદ અંત આવતા મામલો થાણે પડયો
અંકલેશ્વર જીઆઇડીસીની અભિલાષા ફાર્મા કંપનીમાં ગત તા.૪થી ફેબ્રુઆરીના રોજ લાગેલી આગમાં ગંભીર રીતે ઘવાયેલા કુલ પાંચ જેટલા કામદારો પૈકી સારવાર લઈ રહેલ વધુ એક કામદારનુ સારવાર દરમ્યાન મોત નિપજતા આ ઘટનામાં મૃત્યુ આંક ત્રણ થયો હતો.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ અભિલાષા ફાર્મા કંપનીમાં ગત તા. ૪ થી ફેબ્રુઆરી ના રોજ રાસાયણિક પ્રક્રિયા દરમ્યાન કંપનીના રીકેટરમાં આગ લાગી હતી. જેમાં નજીકમાં કામ કરતા સુંદરસિંહ ઇન્દ્રવન સિંગ, ગોપાલ રાજપુત, રઘુનાથ બુદ્ધિ સંકેત, હરિઓમ ઉપાધ્યાય અને રામદિન મંડલ ગંભીર રીતે દાઝી જતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં જે તે સમયે સુંદરસિંહ ઇન્દ્રવન સિંગ અને હરિઓમ ઉપાધ્યાયનું કરુણ મોત નિપજવા પામ્યુ હતુ.જ્યારે વધુ ત્રણ કામદારો ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહયા હતા.દરમ્યાન આજરોજ સારવાર હેઠળ વધુ એક કામદાર ગોપાલ રાજપુત ઉમર વર્ષ 27નું મોત નીપજયુ હતુ.
આ અંગે ની જાણ મૃતક ગોપાલ રાજપુતના પરિવારજનોને થતા હોસ્પિટલ સંકુલમાં નાટયાત્મક દૃશ્યો સર્જાયા હતા. મૃતક ના પરિવારજનોએ જ્યાં સુધી કંપની સતાધીશો યોગ્ય વળતર નહીં ચૂકવે ત્યાં સુધી મૃતક ની લાશ નો સ્વિકાર નહિ કરે તેવી રોષભેર ઉગ્ર રજૂઆતો કરી હતી. જેને પગલે હોસ્પિટલ સંકુલમાં હોહા મચી જવા પામી હતી તેમજ કંપની સંચાલકો કફોડી પરિસ્થિતિમાં મુકાય ગયા હતા. તેવામાં મોડે મોડે પરિજનો અને કંપની સત્તાધીશો વચ્ચે સુખદ અંત આવતા મામલો થાણે પડ્યો હતો
વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર