Satya Tv News

240 ભારતીય નાગરિકો સાથેની ત્રીજી ફ્લાઈટ હંગરીની રાજધાની બુડાપેસ્ટથી દિલ્હી માટે રવાના

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ઉગારવા માટે ભારત સરકારે મિશનનું નામ ઓપરેશન ગંગા રાખ્યું છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે આ અંગેની જાણકારી આપી હતી.

હકીકતે યુદ્ધ પ્રભાવિત યુક્રેનથી નીકળીને રોમાનિયાના રસ્તેથી એર ઈન્ડિયાનું વિમાન 219 ભારતીયોને લઈને શનિવારે સાંજે મુંબઈ ઉતર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રશિયાના હુમલાના કારણે યુક્રેની હવાઈ ક્ષેત્રને બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યાર બાદ ત્યાં ફસાયેલા ભારતીયોને ઉગારવા માટે વૈકલ્પિક માર્ગ પસંદ કરવામાં આવ્યો છે. ભારતીય નાગરિકો યુક્રેનથી બસોમાં સવાર થઈને રોમાનિયા પહોંચી રહ્યા છે. રોમાનિયાના શહેર બુખારેસ્ટ ખાતેથી તેઓ સૌ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સવાર થઈને ભારત પહોંચ્યા છે.

ઓપરેશન ગંગા અંતર્ગત બીજી ઉડાનમાં રોમાનિયાની રાજધાની બુખારેસ્ટથી 250 ભારતીય નાગરિકોને લઈને એર ઈન્ડિયા 1942 ફ્લાઈટ રવિવારે વહેલી સવારે આશરે 03:00 કલાકે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. નાગરિક ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને ત્યાં યુક્રેનથી પરત આવેલા પ્રત્યેક ભારતીયને ગુલાબ આપીને શુભેચ્છા પાઠવી હતી.

આ સાથે જ વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટરના માધ્યમથી ઓપરેશન ગંગા અંતર્ગત 240 ભારતીય નાગરિકો સાથેની ત્રીજી ફ્લાઈટ હંગરીની રાજધાની બુડાપેસ્ટથી દિલ્હી માટે રવાના થઈ હોવાની માહિતી આપી હતી.

શનિવારે જ્યારે 219 વિદ્યાર્થીઓને લઈને એર ઈન્ડિયાનું વિમાન મુંબઈમાં ઉતર્યું ત્યારે કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે તેમને રીસિવ કર્યા હતા. તે સિવાય વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ટ્વિટ કરીને ભારતીય નાગરિકોનું સ્વાગત કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, ‘વેલકમ બેક. હેશટેગ ઓપરેશન ગંગાનું પ્રથમ સ્ટેપ.’

જ્યારે ફ્લાઈટમાં વિદ્યાર્થીઓને રીસિવ કરવાનો વીડિયો શેર કરીને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે લખ્યું હતું કે, ‘માતૃભૂમિમાં તમારૂં સ્વાગત છે. મુંબઈ વિમાન મથકે યુક્રેનથી સુરક્ષિત બહાર કઢાયેલા ભારતીયોના ચહેરા પર સ્મિત જોઈને આનંદ થયો. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકાર દરેક ભારતીયની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અથાગ પ્રયત્નો કરી રહી છે.’

error: