શહેરના ભદ્ર પરિવારની હૈયું હચમચાવી દે તેવી ઘટના
બ્લીડિંગ થતાં યુવતીને હોસ્પિટલે ખસેડાતા પિતાના પાપનો ભાંડો ફૂટ્યો, આરોપી સકંજામાં
શું લખવું? ક્યાંથી શરૂઆત કરવી? એ દીકરીની શું સ્થિતિ હશે? બે મહિના પહેલા જ જે યુવાનીના ઉંબરે આવીને 18 વર્ષની થઇ એ દીકરી સાત સાત વર્ષથી એટલે કે તે 11 વર્ષની હતી ત્યારથી તેના પિતાના શારીરિક અત્યાચારનો ભોગ બનતી હતી, એ નરાધમે તેની પુત્રીને પીંખી નાખી હતી.
પિતાના પાપથી એ દીકરી સગર્ભા બની છે, પોલીસ ગુનો નોંધશે, તેની ધરપકડ કરશે, બે-ચાર લાકડી મારશે પણ એનાથી શું? આપણો સમાજ કઇ દિશામાં જઇ રહ્યો છે? પિતા પુત્રીના પાવન સંબંધ કેવી રીતે આપણે આવતી પેઢીને કહેશું? ભલે આ એકલ દોકલ ઉદાહરણ છે પરંતુ અસહનીય છે, કોઇપણ સમાચાર મળે ત્યારે એક પત્રકાર દશ મિનિટમાં તે સમાચાર સારી રીતે લખી નાખે પરંતુ આ સમાચાર પોલીસ પાસેથી મળ્યા ત્યારે અમે વિચાર શૂન્ય થઇ ગયા, આને શું સજા થવી જોઇ, મોત? કદાચ ફાંસીની સજા મળી જશે તો પણ તેણે કરેલા કરતૂત અને સમાજ પર લાગેલું લાંછન કેવી રીતે ભૂંસાશે, આ ભયાનક ઘટના રાજકોટના ભદ્ર વિસ્તારમાં બની છે.
શહેરના પંચનાથ પ્લોટ વિસ્તારમાં રહેતી 18 વર્ષની યુવતીને શનિવારે સાંજે બ્લીડિંગ થતાં તેને તેની માતાએ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી, આ યુવતીને તાકીદે ગાયનેક વિભાગમાં લઇ જવાઇ હતી, તબીબોએ નિદાન કરતાં યુવતીને દોઢ માસનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું, યુવતી સગર્ભા હોવાનું સ્પષ્ટ થતાં તબીબને પણ એક ક્ષણે એવું લાગ્યું હતું કે, યુવતીને તેના પ્રેમી સાથે સંબંધ હશે અને તે કુંવારી હોવા છતાં તેના પ્રેમી સાથેના સંબંધને કારણે સગર્ભા બની હશે, ડોક્ટર ધીમા પગે યુવતી અને તેની માતા પાસે પહોંચ્યા હતા અને યુવતી સગર્ભા હોવાની વાત કરી હતી
ડોક્ટરને એમ હતું કે હમણા જ યુવતી પર તેની માતા ત્રાડૂકશે, પરંતુ એવું ન થયું, યુવતી અને તેની માતા રડવા લાગ્યા, યુવતીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ડોક્ટરને કહ્યું કે, તેને તેના જ પિતાએ સગર્ભા બનાવી છે, આ વાત સાંભળી તબીબના પગ તળેથી જમીન સરી ગઇ હોય તેવી સ્થિતિ સર્જાઇ ગઇ હતી. ઘટના અંગે જાણ કરાતા એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ ભૂકણ સહિતની ટીમ દોડી ગઇ હતી. યુવતીએ પોલીસ સમક્ષ હૈયા વરાળ ઠાલવતા કહ્યું હતું કે, પોતે એક ભાઇની એકની એક બહેન છે, તેના પિતા રિક્ષા ચલાવે છે, બે મહિના પહેલા જ તે 18 વર્ષની થઇ.
જ્યારે તે 11-12 વર્ષની હતી ત્યારથી તેના પિતાની હવસનો શિકાર બનતી આવી છે, એ ઉંમરે તો તેને એ વાતનો અહેસાસ પણ નહોતો કે પિતા શું કરી રહ્યાં છે, તે ખોળામાં બેસાડતો, કપાળ પર હાથ ફેરવતો, શરૂઆતમાં તો એવું લાગ્યું કે પિતા વહાલ કરી રહ્યો છે, પરંતુ ધીમે ધીમે તેની દાનત ખરાબ હોવાનું લાગ્યું, તે શરીર પર જે રીતે સ્પર્શ કરતો, શરીરના જે અંગો પર હાથ ફેરવતો તે એક પિતાની લાક્ષણિકતા તો નહોતી જ, હું તેનાથી દૂર ભાગતી તો તે મને મારીને પોતાની પાસે ખેંચી લેતો, અને તેની હરકતો ચાલુ રાખતો હતો.
થોડી સમજણી થઇ અને માતાને વાત કરી, માતાએ પણ મારા પિતાને એક તબક્કે ઠપકો આપ્યો, બંને વચ્ચે એ મુદ્દે બોલાચાલી થતી પરંતુ મારો પિતા તેની હરકતોથી અટક્યો નહોતો, કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો, થોડાક વર્ષો પછી એની હરકતો જાણે મારા માટે સહજ થઇ ગઇ હતી, પરંતુ ત્યારબાદ તે વધુ હેવાન બન્યો હતો અને પરાણે મારી સાથે શરીરસંબંધ બાંધતો હતો, મેં મારી માતાને આ વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેને એમ જ હતું કે મારા પિતા મારી સાથે માત્ર બીભત્સ હરકતો જ કરે છે, અને તે મારી માતાને જે રીતે ધમકાવતો અને મારતો તે જોઇ મારી માતા પણ તેને કંઇ કહેવાની હિમ્મત કરતી નહોતી, મારા પિતા વર્ષોથી મારા પર શારીરિક અત્ચાયાર ગુજારતો હતો, આજે બ્લીડિંગ થતાં મને હોસ્પિટલે લાવ્યા અને ડોક્ટરે જાણ કરી ત્યારે મારી મનોદશા એ થઇ છે કે હું કોને ફરિયાદ કરું? શું ફરિયાદ કરું? આવા પિતા હોય? મારી જિંદગી નરક બનાવી દીધી હતી આ હેવાને. પોલીસે યુવતીની ફરિયાદ પરથી પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી નરાધમને સકંજામાં લીધો હતો.
સમાજનો સૌથી પવિત્ર સંબંધ હોય તો તે છે બાપ-દીકરીનો. પરંતુ આ ઘટના પશુવૃત્તિથી બદતર છે. આવા લોકોને નૈતિકતાનું કે સામાજિકતાનું કોઇ મૂલ્ય જ નથી. આવી હેવાનિયત આચરનાર કાયદાના જ નહિ કુદરતે બનાવેલી વ્યવસ્થાના સૌથી મોટા ગુનેગાર છે. નરાધમ જેવું કૃત્ય આચરનાર આવા તત્ત્વોને કાયદાથી ઉપર ઊઠીને સજા કરવી જોઇએ. ફાંસીથી હળવી સજા ન જ હોવી જોઇએ. અમે આ કેસમાં આરોપી પક્ષે કોઇ કેસ ન લડે તેવો બાર એસોસિએશન ઠરાવ કરીશું અને સાથે સાથે તમામ અદાલતોને અને સરકારને પણ સમાજમાં આવી બનતી જઘન્ય ઘટનાઓના કેસને ત્વરિત ચલાવી આરોપીઓને સજા કરાવવા જણાવીશું. – અર્જુન પટેલ, રાજકોટ બાર એસોસિએશન