અંકલેશ્વર : શહેરના હાંસોટ રોડ પર આવેલી કડકિયા કોલેજ નજીક ગતરાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં મોપેડ પર જઈ રહેલા બે ભાઈઓને એક ઊભેલી ટ્રક પાછળથી ભટકતાં ભયાનક દૂર્ઘટના નડતાં એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે, જ્યારે બીજો ગંભીર રીતે ઘાયલ થયો છે.
મૃતક અને ઘાયલ યુવાન મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ અંકલેશ્વરના સજોદ ગામે વસવાટ કરતાં રવિન્દ્ર બદ્રીપ્રસાદ પ્રજાપતિ અને અરવિંદ બદ્રીપ્રસાદ પ્રજાપતિ છે. બંને ભાઈઓ શહેરમાં પાણીપુરીનું ધંધું કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગત રાત્રે કામ પતાવી તેઓ મોપેડ દ્વારા પરત સજોદ તરફ જઈ રહ્યા હતા ત્યારે કડકિયા કોલેજ નજીક ઉભેલી ટ્રક તેમની દૂર્ઘટનાનું કારણ બની.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રકમાં યાંત્રિક ખામી સર્જાતા તે રસ્તાની સાઈડમાં ઉભી રાખવામાં આવી હતી. રાત્રિના અંધારામાં ટ્રક સાફ નજરે ન આવતાં મોપેડ આગળથી સીધી પાછળના ભાગે ધડાકાભેર ભટકી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બંને ભાઈઓ મોપેડ પરથી નીચે પટકાયા. રવિન્દ્રને ગંભીર ઈજાઓ થતાં તેણે ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો, જ્યારે અરવિંદને ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
હાદસાની જાણ થતાં અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકનું પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ટ્રાફિક સલામતી સામે સવાલો:
આ દુઃખદ અકસ્માત પછી ફરીવાર રાહદારી સુરક્ષા અને રોડ પર ઊભેલા વાહનો માટે જરૂરી ચેતવણી નિશાનો કે લાઇટો ન હોવાનો મુદ્દો ગરમાયો છે. રાત્રિના સમયગાળામાં યોગ્ય સિગ્નલ કે ચેતવણી વગર ઊભેલા વાહનો અનેકવાર જીવલેણ સાબિત થાય છે, જેનાથી ભૂલ વહીવટ તંત્ર અને વાહનચાલકો બંનેની જવાબદારી ઉભી કરે છે.
સ્થાનિકોમાં શોકનું મોજું:
સજોદ ગામમાં આ દુઃખદ ઘટના બાદ શોકની લાગણી છવાઈ છે. રવિન્દ્ર એક જવાબદાર અને પરિશ્રમી યુવાન તરીકે ઓળખાતો હતો અને પરિવારનું ગુજરાન ચલાવતો મુખ્ય આધાર હતો.