Satya Tv News

દેશમાં કોરોનાના નવા 7,447 કેસ, વધુ 391નાં મોત

ફ્રાન્સમાં દૈનિક ૬૫ હજાર કેસ નોંધાય છે, એ રીતે ભારતમાં દૈનિક ૧૩ લાખ કેસ નોંધાઈ શકે : સરકારની ચેતવણી

ભારતમાં શુક્રવારે એક જ દિવસમાં ઓમિક્રોનના ૨૮ કેસ નોંધાતા કોરોનાના નવા વેરિઅન્ટના કુલ કેસ ૧૧૫ થયા છે. કર્ણાટકમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયાના માત્ર ૧૫ જ દિવસમાં ૧૧ રાજ્યોમાં ઓમિક્રોન વેરિઅન્ટ ફેલાયો છે.

દેશમાં કોરોના મહામારીના ઘટતા પ્રકોપ વચ્ચે ઓમિક્રોનના કેસ સતત વધતાં કેન્દ્ર સરકાર સફાળી જાગી છે. કેન્દ્ર સરકારે લોકોને ચેતવણી આપતા કહ્યું છે કે લોકો સાવધાની નહીં રાખે અને કોવિડ પ્રોટોકોલનું પાલન નહીં કરે તો ભારતમાં પણ યુરોપ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. સરકારે લોકોને બિન આવશ્યક પ્રવાસ ટાળવો જોઈએ તેમજ નવા વર્ષની ઊજવણીઓ અને મેળાવડાઓ ટાળવા જોઈએ.

દેશમાં શુક્રવારે એક સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના આઠ, દિલ્હીમાં ૧૨, કેરળ, તેલંગાણા, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં ૨-૨ કેસ નોંધાયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ કુલ ૪૦, દિલ્હીમાં ૨૨, રાજસ્થાનમાં ૧૭, કર્ણાટકમાં ૮, તેલંગાણામાં ૮, ગુજરાતમાં ૭, કેરળમાં ૭, ઉત્તર પ્રદેશમાં ૨, આંધ્ર પ્રદેશ, ચંડીગઢ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ૧-૧ કેસ નોંધાયા છે.

ઓમિક્રોન અને કોરોના મહામારીએ વિશ્વભરમાં માથું ઉંચક્યું છે ત્યારે ભારતમાં પણ ઓમિક્રોનના કેસ વધતાં કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે ઓમિક્રોનના કેસ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં પણ વધુ ઝડપે વધી શકે છે. દેશવાસીઓએ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. નહીં તો ભારતમાં પણ યુરોપ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે યુરોપમાં કોરોનાની નવી લહેર અંગે ચેતવણી આપી છે.

નીતિ આયોગના સભ્ય વી.કે.પૉલે કહ્યું કે, ભારતે સાવધ રહેવાની જરૃર છે. બ્રિટનમાં દૈનિક ૯૦ હજાર જ્યારે ફ્રાન્સમાં ૬૫ હજારથી વધુ કેસ આવી રહ્યા છે. તેમાં મોટાભાગના કેસ ડેલ્ટા વેરિઅન્ટના છે, પરંતુ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. યુરોપની સ્થિતિ અને વસતીને ધ્યાનમાં લઈએ તો ભારતની વસતીની દૃષ્ટીથી જોઈએ તો દેશમાં દૈનિક ૧૩થી ૧૪ લાખ કેસ નોંધાઈ શકે છે.

દરમિયાન દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. શુક્રવારે દેશમાં કોરોનાના નવા ૭,૪૪૭ કેસ સાથે કુલ કેસ ૩,૪૭,૨૬,૦૪૯ થયા છે જ્યારે એક્ટિવ કેસ પણ ઘટીને ૮૬,૪૧૫ થયા છે. દેશમાં વધુ ૩૯૧નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૪,૭૬,૮૬૯ થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૩,૪૧,૬૨,૭૬૫ દર્દીઓ સાજા થયા છે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી અંકલેશ્વર

error: