Satya Tv News

એક વર્ષમાં ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના ૪૭૫૬,ઝાડા-ઉલ્ટી,ટાઈફોઈડ તથા કમળાના ૭૧૦૪ કેસ નોંધાયા

અમદાવાદમાં ઠંડીના ચમકારાની સાથે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.ડીસેમ્બરના ૧૮ દિવસમાં ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના ૨૦૦થી વધુ કેસ નોંધાવા પામ્યા હતા.આ વર્ષે જાન્યુઆરીથી ડીસેમ્બર સુધીમાં ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના ૪૭૫૬ જયારે પાણીજન્ય એવા ઝાડા-ઉલ્ટી,ટાઈફોઈડ અને કમળાના ૭૧૦૪ કેસ નોંધાયા છે.દરેક વિસ્તારમાં શરદી-ખાંસી ઉપરાંત વાઈરલ ફીવરના કેસ જોવા મળી રહ્યા છે.સરકારી તેમજ ખાનગી હોસ્પિટલ તથા દવાખાનાઓમાં વિવિધ બીમારીના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

આ માસમાં ૧૮ ડીસેમ્બર સુધીમાં શહેરમાં મેલેરીયાના ૦૭, ઝેરી મેલેરીયાના ૦૬ કેસ નોંધાયા છે.ડેન્ગ્યુના ૧૦૪ અને ચીકનગુનીયાના ૧૦૦ કેસ નોંધાયા છે.ચોમાસાની મોસમમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ-મેલેરીયા વિભાગ તરફથી વિવિધ હોસ્પિટલ,દવાખાના,બાંધકામ સાઈટ, મેટ્રો રેલ પ્રોજેકટની સાઈટ જેવા સ્થળોએ મચ્છરોના ઉત્પત્તિ કેન્દ્ર શોધવા માટે ખાસ ડ્રાઈવ કરવામાં આવતુ હતું.આ ડ્રાઈવ દિવાળી પર્વ બાદ મેલેરીયા વિભાગ તરફથી આ પ્રકારે મચ્છરના પોરા શોધવા અથવા તો જે સાઈટ ઉપરથી મચ્છર કે તેના પોરા મળી આવે એ સાઈટના સંચાલક પાસેથી વસુલવામાં આવતા વહીવટી ચાર્જની કામગીરી હાથ ધરાતી હોય એમ જણાતુ નથી.જેના કારણે મચ્છરજન્ય રોગના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.

શહેરના વિવિધ વિસ્તારમાં પાણીના પ્રદૂષણને લઈને ફરિયાદો વધી રહી છે.ગટરના પાણી બેક મારવાની અથવા ગટર લાઈન ચોકઅપ થવાની ફરિયાદો છતાં હેલ્થ અને ઈજનેર વિભાગ વચ્ચે સંકલનના અભાવે આ પ્રકારની ફરિયાદનો સમયસર નીકાલ થતો ના હોવાના કારણે પાણીજન્ય રોગના કેસ પણ વધી રહ્યા છે.૧૮ ડીસેમ્બર સુધીમાં પાણીજન્ય એવા ટાઈફોઈડના ૧૫૨ કેસ, કમળાના ૧૩૯ કેસ જયારે ઝાડા- ઉલ્ટીના ૯૯ કેસ નોંધાવા પામ્યા છે.આ વર્ષે રેસીડેન્શિયલ કલોરીન ટેસ્ટ માટે ૭૯૧૬૯ સેમ્પલ લેવાયા હતા.૨૦૨ સેમ્પલમાં કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો.બેકટેરીયોલોજીકલ ટેસ્ટ માટે ૮૮૩૦ સેમ્પલ લેવાતા ૧૭૮ સેમ્પલ અનફીટ જાહેર થવા પામ્યા હતા.

error: