અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર સાત દિવસમાં લૂંટની ત્રણ ઘટનાઓમાં ત્રણ ચાલકો પાસેથી 45 હજારથી વધુની લૂંટ ચલાવતા ચકચાર મચી જવા પામી છે.
વાગરા તાલુકાનાં પહાજ ગામની નવી નગરીમાં રહેતા તોસિફખાન ઐયુબખાન પઠાણ ગત તારીખ-15મી મેના રોજ દેરોલથી આઇસર ટેમ્પો નંબર-જી.જે.16.ઝેડ.7892માં તુવેર ભરી સવારે બારડોલી ખાતે જવા નીકળ્યા હતા જેઓ બારડોલીમાં વેપારીને ત્યાં તુવેર ખાલી કરી પરત ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન ખરોડ ગામની સીમમાં ટેમ્પો હાઈવેની બાજુમાં ઊભો કરી કુદરતી હાજતે ગયા હતા તે વેળા બે ઇસમોએ ડ્રાઈવર તોસિફ પઠાણને પકડી માર મારી તેની પાસેથી 5 હજારના મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી અને તેને ખેતરમાં ખેંચી ત્યાં ઉભેલ અન્ય ઇસમોએ ઉસ કો ઔર અંદર લે આવો કહી બૂમો પાડતા હતા તે સમયે માર્ગ ઉપર એક રિક્ષા ચાલક અને અંદર બેઠેલ મુસાફરોએ બુમરાણ સાંભળતા રિક્ષા ઊભી કરી કોણ છે કોણ છે કહેતા લૂંટારુ તત્વોએ રિક્ષા ઉપર પથ્થર મારો ચલાવ્યો હતો તે સમયે ટેમ્પો ચાલક લૂંટારુઓની ચૂંગાલમાંથી છૂટી હાઇવે ઉપર આવી જતાં પાંચેય લુટારુઓ તેના પર પણ પથ્થર મારો ચલાવી અંધારા ભાગી ગયા હતા.
જ્યારે આવી જ રીતે મૂળ યુપીના અને હાલ મુંબઈના વાસી ખાતે રહેતા મોહમંદ અફસર બસીર અહેમદ ગત તારીખ-9મી મેના રોજ કન્ટેનર નંબર-એમ.એચ.46.એફ.3423માં હરિયાણાથી ચોખા ભરી મુંબઈ ખાતે જઈ રહ્યો હતો તે દરમિયાન અંકલેશ્વર હાઇવે ઉપર આરામ હોટલ પાસે ચાલકે શૌચ ક્રિયા માટે કન્ટેનર ઊભું કરી શૌચ ક્રિયા કરી રહ્યા હતા તે સમયે અજાણ્યા પાંચ લુટારુઓએ ચાલકને માર મારી રોકડા 22 હજાર અને ફોનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.