અંકલેશ્વર અને ભરૂચના એપીએમસી માર્કેટમાં ટામેટાના 20 કિલોના 1200 રૂપિયાનો ભાવ
ભરૂચ-અંક્લેશ્વરમાં ટામેટાના ભાવ 100 રૂપિયે કિલો સુધી પહોંચી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. દક્ષિણભારતમાં અતિવૃષ્ટીના કારણે ટામેટાની અછત સર્જાઇ છે.અંકલેશ્વરના એપીએમસીના માર્કેટમાં ટામેટાના 20 કિલોના 1200 રૂપિયા નો ભાવ પહોંચ્યો છે. કર્ણાટક, તમિલનાડુમાં ભારે પૂરની અસરથી આવક ઘટતા શહેરના શાક માર્કેટમાં ટામેટાની ભારે અછત વર્તાય રહી છે. મહારાષ્ટ્રમાં થયેલા પાછોતરા વરસાદના કારણે ટામેટાના પાક ઉપર અસર થઇ છે તેમજ ભરૂચ તથા અન્ય જિલ્લામાં પણ પાછોતરો વરસાદના કારણે પાક નિષ્ફળ જતા અંકલેશ્વરના માર્કેટમાં ટામેટાની ભારે અછત વર્તાય છે.
હાલમાં બેંગ્લોરથી ટામેટાનો જથ્થો આવી રહ્યો છે ત્યારે ભાવમાં મહત્તમ વધારો થયો છે. હાલ અંકલેશ્વરના માર્કેટમાં જથ્થાબંધ 20 કિલો ટામેટાનો ભાવ 1 હજારથી લઇ 1200 રૂપિયા જેટલો છે. જયારે અંકલેશ્વરના છૂટક શાક માર્કેટમાં ટામેટા 60 થી 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા હોવાથી ટામેટા ખરીદવા મુશ્કેલ બન્યા છે.
પાછોતરો વરસાદ એ મહારાષ્ટ્ર માં પાક નાશ કરતા મહારાષ્ટ્રથી આવતા ટામેટા બંધ થઇ ગયા છે અને જે ટામેટા આવી રહ્યા છે તે બેંગ્લોર થી આવી રહ્યા છે. અને આખા દેશ માં ત્યાં થી સપ્લાઈ થાય છે. ત્યાં પણ વરસાદ ને લઇ ટામેટા ખેતી પર અસર થઇ છે. જેને લઇ બજારમાં ટામેટા હોલસેલ 1200 રૂપિયા ઉપર પહોંચ્યો છે. જયારે બજાર માં 50 થી 60 થી રૂપિયે નાના ટામેટા અને સારા ટામેટા 100 થી 120 રૂપિયે કિલો બજાર માં છૂટક માં વેચાઈ રહ્યા છે. મગનભાઈ પટેલ,વેપારી,એપીએમસી ડિરેક્ટર.
કોઈપણ પ્રકારના શાક કે વ્યંજન બનાવી રહ્યા હોય તો તેમાં ટામેટા ની ગ્રેવી ની અસલ રંગત હોય છે. ત્યારે ટામેટા ભાવ ઉચકાતા શાક માં ટામેટા ગ્રેવી ઉપયોગ કરવા ગૃહિણી સંકોચ અનુભવી રહી છે. અને જાણે ટામેટા ગ્રેવી વિના શાક આગામી દિવસો માં ફીકા બને તો નવાઈ નહિ.
અંકલેશ્વર એપીએમસીના શાકભાજી વિક્રેતા અને ટામેટાના હોલસેલ વેપારીઓએ જણાવ્યું હતું. કે ટામેટા ની આવક મહારાષ્ટ્ર માંથી સંપૂર્ણ ખતમ થઇ ચુકી છે તેની માગ બેંગ્લોર થી પૂર્ણ થઇ રહી છે. આખા દેશ માં બેંગ્લોર થી સપ્લાઈ થઇ છે. અને બજાર નો માહોલ હજુ પણ આ ભાવ આગામી એક મહિના સુધી ઊંચા રહેશે.
અંકલેશ્વર બજારમાં ટામેટાની અછત ઉભી થઇ છે તે પાછળ એક કારણ મહારાષ્ટ્રના નાસિકથી ટામેટાનો જથ્થો આવી રહ્યો હતો જ્યાં વરસાદના કારણે પાકનો નાશ થતા ટામેટા અછત ઉભી થઇ છે. તો કર્ણાટક, તમિલનાડુમાં ભારે વરસાદ અને પૂર થી અસર વચ્ચે માત્ર બેંગ્લોર ખાતે ટામેટા છે જે આખા દેશમાં પહોંચાડે છે જેને લઇ અછત વચ્ચે ટામેટા ભાવ આસમાને પહોંચ્યા છે.