મોદી સરકાર આગામી સમયમાં એલપીજી ગ્રાહકોને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી હોવાનું મનાય છે. દેશમાં ૧લી ડિસેમ્બરથી રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરે તેવી સંભાવના છે. પેટ્રોલિયમ કંપનીઓ તરફથી ગેસ એજન્સી સંચાલકોને આ સંદર્ભમાં સંકેત મળ્યા હોવાનું કહેવાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ ઘટયા હોવાથી ગ્રાહકોને તેનો લાભ અપાય તેવી સંભાવના છે.
સૂત્રોએ જણાવ્યું છે કે દક્ષિણ આફ્રિકામાં કોરોના વાઈરસનો નવો વેરિઅન્ટ મળી આવ્યા પછી ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો થયો છે. શુક્રવારે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પ્રતિ બેરલ ૧૦ ડોલરનો ઘટાડો થયો હતો, જે એપ્રિલ ૨૦૨૦ પછી સૌથી મોટો ઘટાડો છે. દેશમાં સામાન્ય રીતે સરકારી રિટેલ ઓઈલ કંપનીઓ પ્રત્યેક મહિનાની ૧લી તારીખે રાંધણ ગેસના ભાવની આંતરરાષ્ટ્રીય ભાવના સ્તરે સમિક્ષા કરે છે. આથી વર્તમાન ઘટાડાને પગલે આ બેઠકમાં એલપીજીના ભાવમાં ઘટાડો કરવા અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
બીજીબાજુ પેટ્રોલિયમ મંત્રાલયે ગેસ એજન્સી સંચાલકોને સંકેત આપ્યા છે કે સરકારે રાંધણ ગેસ પર ૨૦૦ રૂપિયાની સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. પરિણામે ગ્રાહકોને અંદાજે રૂ. ૯૧૮માં મળનારો એલપીજી સિલિન્ડર ૭૧૮ રૂપિયામાં મળવાની સંભાવના છે. મંત્રાલયે ગેસ એજન્સીના ડિલરોને પ્રતિ સિલિન્ડર રૂ. ૨૦૦ની સબસિડી આપવાનો મેસેજ મળ્યો છે. જોકે, તેમનું કહેવું છે કે જ્યાં સુધી કોઈ લેખિત આદેશ ના આવે ત્યાં સુધી આ સંબંધમાં કશું કહી શકાય તેમ નથી. દેશભરમાં કોરોનાકાળમાં મે ૨૦૨૦થી રાંધણ ગેસ પરની સબસિડી ગ્રાહકોને મળતી બંધ થઈ ગઈ છે. પેટ્રોલિયમ મંત્રાલયના આ સંકેતોથી ૧લી ડિસેમ્બરથી રાંધણ ગેસ પર ફરીથી સબસિડી શરૂ થવાની આશા જાગી છે.
નિષ્ણાતોનું માનવું છે કે હાલ પૂર્વોત્તરના રાજ્યો ઝારખંડ, મધ્ય પ્રદેશના આદિવાસી વિસ્તારો, અંદમાન અને છત્તિસગઢમાં ગ્રાહકોને રાંધણ ગેસ પર સબસિડી અપાઈ રહી છે. આ બાબતને જોતાં કેન્દ્ર સરકાર ડિસેમ્બરથી આખા દેશમાં રાંધણ ગેસ પર સબસિડી ફરીથી શરૂ કરે તેવી શક્યતાઓ છે. આ સંદર્ભમાં સરકારમાં સંપૂર્ણપણે સહમતી બની ગઈ હોવાનું સૂત્રોનું કહેવું છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ ઘટયા હોવા સહિત વિવિધ પરિબળોના પગલે સરકારે પેટ્રોલ-ડીઝલમાં એક્સાઈઝ ઘટાડી હતી અને હવે રાંધણ ગેસના ભાવમાં ઘટાડો કરવાના સંકેત આપ્યા છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે દેશમાં આગામી વર્ષની શરૂઆતમાં ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝમાં ઘટાડો કરવાની સાથે સરકાર એલપીજીમાં ભાવ ઘટાડવા તથા સબસિડી શરૂ કરવાનો નિર્ણય લઈ રહી છે.