Satya Tv News

આજથી કોમર્શિયલ ગેસ-સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો વધારો, જિયોના પ્લાન મોંઘા થશે, આધાર લિંક નહીં હોય તો PFના પૈસા અટકી જશે

1 ડિસેમ્બર, એટલે કે આજથી તમારે ઘણી સર્વિસીઝ માટે વધારે રૂપિયા ચૂકવવા પડશે. આજથી જિયોના રિચાર્જ પ્લાન 21% સુધી મોંઘા થઈ ગયા છે. એ ઉપરાંત હવે SBIના ક્રેડિટકાર્ડની ખરીદી પર 99 રૂપિયા અને ટેક્સ અલગથી ચૂકવવો પડશે. અમે તમને આવી જ સર્વિસીઝ વિશે જણાવી રહ્યા છીએ, જેના માટે તમારે આજથી વધુ પૈસા ચૂકવવા પડશે. એ ઉપરાંત અમે આજથી લાગુ થનારા ફેરફારો વિશે પણ માહિતી આપી રહ્યા છીએ.

ડિસેમ્બરના પહેલા જ દિવસે પેટ્રોલિયમ કંપનીઓએ મોંઘવારીનો ઝટકો આપ્યો છે. કોમર્શિયલ ગેસ-સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો છે. પેટ્રોલિયમ કંપનીઓના આ નિર્ણય બાદ દિલ્હીમાં 19 KGનો કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 2101 રૂપિયા થઈ ગયો છે. ગયા મહિને આ કિંમત 2000.50 રૂપિયા હતી. જોકે ઘરેલુ ઉપયોગ માટેના 14.2 કિલોના ગેસ-સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. કોમર્શિયલ ગેસ-સિલિન્ડર મોંઘું થવાથી રેસ્ટોરાં અને બહારનું ખાવાનું મોંઘું થઈ શકે છે.

જિયોએ આજથી તેના ટેરિફ પ્લાન મોંઘા કરી દીધા છે. હવે જિયોના 75 રૂપિયાના પ્લાન માટે 1 ડિસેમ્બરથી 91 રૂપિયા ચૂકવવા પડશે. જિયોના રિચાર્જ પ્લાન લગભગ 21% સુધી મોંઘા થઈ ગયા છે. હવે 129 રૂપિયાવાળો પ્લાન 155 રૂપિયા, 399 રૂપિયાનો પ્લાન 479 રૂપિયા, 1,299વાળો પ્લાન 1,559 રૂપિયા અને 2,399વાળો પ્લાન હવે 2,879 રૂપિયામાં મળશે. ડેટા ટોપ-અપની કિંમત પણ વધારી દેવામાં આવી છે. હવે 6 GB ડેટા માટે 51ની જગ્યાએ 61 અને 12 GB માટે 101ની જગ્યાએ 121 રૂપિયા અને 50 GB માટે 251 રૂપિયાની જગ્યાએ 301 રૂપિયા ચૂકવવા પડશે.

જો તમારી પાસે SBIનું ક્રેડિટકાર્ડ છે તો એના દ્વારા ખરીદી કરવાનું થોડું મોંઘું થઈ ગયું છે. દરેક ખરીદી પર 99 રૂપિયા અને અલગથી ટેક્સ આપવો પડશે. આ પ્રોસેસિંગ ચાર્જ હશે. SBIના અનુસાર, 1 ડિસેમ્બર 2021થી તમામ મર્ચન્ટ EMIની લેવડદેવડ પર પ્રોસેસિંગ ચાર્જ 99 રૂપિયા અને ટેક્સ આપવો પડશે. સૌથી પહેલા SBI ક્રેડિટકાર્ડે તેની શરૂઆત કરી છે.

આજથી સ્ટાર પ્લસ, કલર્સ, સોની અને ઝી જેવી ચેનલ માટે 35થી 50% સુધી વધારે કિંમત ચૂકવવી પડશે. સોની ચેનલ જોવા માટે 39 રૂપિયાની જગ્યાએ 71 રૂપિયા દર મહિને આપવા પડશે. એવી જ રીતે ZEE ચેનલ માટે 39 રૂપિયાની જગ્યાએ 49 રૂપિયા મહિને આપવા પડશે, જ્યારે Viacom18 ચેનલો માટે 25 રૂપિયાની જગ્યાએ 39 રૂપિયા આપવા પડશે.

દેશની બીજી સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંક (PNB)એ અકાઉન્ટહોલ્ડર્સને ઝટકો આપ્યો છે. બેંકે સેવિંગ્સ અકાઉન્ટના વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. બેંકે સેવિંગ્સ અકાઉન્ટના વ્યાજદરને વાર્ષિક 2.90%થી ઘટાડીને 2.80% કરવાનો નિર્ણય કર્યો છે. નવા દર 1 ડિસેમ્બરથી લાગુ થશે.

માચિસની કિંમત 14 વર્ષ બાદ બમણી થઈ ગઈ છે. 1 ડિસેમ્બર 2021થી તમારે માચિસના એક બોક્સ માટે 1 રૂપિયાની જગ્યાએ 2 રૂપિયા ચૂકવવા પડશે. છેલ્લે 2007માં માચિસની કિંમત 50 પૈસાથી વધીને 1 રૂપિયા કરવામાં આવી હતી. કિંમતમાં વધારો થવાનું કારણ માચિસ બનાવવા માટે વપરાતા કાચા માલના ભાવમાં વધારો છે.

યુનિવર્સલ અકાઉન્ટ નંબરને આધારકાર્ડ સાથે 30 નવેમ્બર સુધી લિંક કરવું જરૂરી હતું. આવી સ્થિતિમાં જો તમે 30 નવેમ્બર સુધી આવું નથી કર્યું તો 1 ડિસેમ્બરથી તમારા ખાતામાં કંપનીની તરફથી આવતું કોન્ટ્રિબ્યુશન અટકી જશે. એ ઉપરાંત આધારકાર્ડ લિંક ન હોવાથી તમને EPF અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવામાં સમસ્યા થઈ શકે છે.

error: